સ્તુતિ–આભાર (#11051)

હે ભગવાન, મારા નાથ ! તારો મહિમા ગાઉં છું તારા સંકેતો સમગ્ર સૃષ્ટિમાં છવાયેલા છે. તારા મુખચંન્દ્રની આભાથી પૃથ્વી અને સ્વર્ગ પ્રકાશિત થાય છે. તારી કરૂણા સમગ્ર સર્જિત પદાર્થોની પાર જાય છે. તારું ઔદાર્ય સમગ્ર બ્રહ્માંડમાં પથરાયેલું છે. હું તને ભજું છું કે જેથી તારાથી મને દૂર રાખનારા બઘા અંતરાયો ચીરીને હું તારી પ્રબળ પ્રેરણાના ઉદ્ગમસ્થાન સુઘી, તારા આવિર્ભાવના તેજોમય ઝરા સુઘી પહોચી શકું અને તારી અસીમ કૃપાનાં અગણિત દાન પ્રાપ્ત કરૂં, તારી સમીપતા અને તારા આનંદના સમુદ્રમાં ડૂબકીઓ મારી શકું. 
હે સ્વામી, તારા યુગમાં તારા વિશેના જ્ઞાનથી વંચિત રાખીને મને દુઃખી ન કર. તારા માર્ગદર્શનરૂપી વસ્ત્ર મારી પાસેથી ખૂંચવી ન લે. તારા ‘પરમકૃપાળું’, એવા બિરૂદની પ્રતિષ્ઠા થઈ તે સ્વર્ગભૂમિ રિઝવાન´ માંથી ઊતરેલી ઘન્ય જીવનસરિતામાંથી મને જળનું પાન કરાવ કે જેથી મારી આંખ ઊઘડે, મારો ચહેરો ચમકી ઊઠે, મારા હૃદયને ઘરપત મળે, મારા આત્મામાં જ્ઞાનનાં´ અજવાળાં પથરાય અને મારાં ચરણોમાં દ્રઢતા આવે. 
તું અનાદિ કાળથી જ પોતાની શકિતના બળે સમગ્ર ભૂતસૃષ્ટિ કરતાં  સર્વોપરિ રહ્યો છે અને પોતાની ઈચ્છાથી પ્રેરિત થઈને સકળ પદાર્થો બનાવ્યા છે. આ પૃથ્વીના પટ ઉપર કે નભોમંડળમાં તારા હેતુને નિષ્ફળ બનાવે એવું કશું જ નથી. તો હે મારા સ્વામી, તારી કરૂણાભીની કૃપા અને ઉદારતાથી મારા ઉપર દયા કર. તાર એકત્વરૂપી વૃક્ષની જુદી જુદી ડાળીએ બેસીને તારી સ્તુતિ કરતાં પંક્તિઓનાં મઘુર ગાન સાંભળવા માટે મારા કાનને પ્રેરિત કર. 
તું મહાન દાતા છે, સદા ક્ષમાવાન છે, અત્યંત કરૂણામય છે.

-Bahá'u'lláh
-----------------------

સ્તુતિ–આભાર (#11052)

હે મારા પ્રભુ, તાર નામનાં ગુણગાન થાઓ ! હું વિશ્વાસપૂર્વક કહું છું કે તાર સિવાય બીજો કોપણ વિચાર ગમે એટલો ચમત્કૃતિપૂર્ણ હોય, એ તારી જ્ઞાનગંગાને કાંઠે ન પહોચી શકે. તારા ગુણગાન ગમે એટલા પારગામી હોય એ તારા શાણપણના વાતાવરણ સુઘી ઊંચે ન જઈ શકે. તું અનાદિકાળથી તારા સેવકોની પહોંચ અને સમજશકિતની બહાર રહ્યો છે, અને તારૂં રહસ્ય વ્યકત કરવા મથતા તારા સેવકોના પ્રયત્નોથી તું અમાપ અંતરે ઉંચે ઉભો છે. જે કદી સર્જાયો નથી તેની સમક્ષ આવે ત્યારે માનવી પોતાનામાં કયા પ્રકારનું સામર્થ્ય હોવાનો દાવો કરી શકે ? 
તારા અદ્વૈતત્વને પૂજનારા અને તને પિછાણનારા એ સૌ કોઈના ગહનતમ ચિંતન પણ તારા આદેશથી અને તારી કલમ ચાલવાથી જે નીપજયું છે તે ફકત તારી જ ઈચ્છામાંથી જન્મ્યું છે. હે મારા આત્માના પ્રિયતમ અને મારા જીવનસ્ત્રોત, હું તારી ભવ્યતાના સોગંદ ખાઈને કહું છું! તારી મહાન ભવ્યતાના અને રાજસિક પ્રતિભાની ચરમસીમાની સ્તુતિ, હું ફકત મારી નબળાઈના કારણે, મારા ગજા પ્રમાણે કરૂં છું તે હું સારી રીતે જાણું છું; સમગ્ર સર્જિત પદાર્થોથી ઉત્તમ તારી દયા અને સમગ્ર સૃજનમાં વ્યાપ્ત તારી કરુણાને નામે તને પ્રાર્થના કરૂં છું કે તારા દાસો તારા માર્ગે જેટલું ચાલી શકવા સમર્થ છે તેટલાનો સ્વીકાર કર. એ લોકો તારી વાણી ઉચ્ચારી શકે અને તારી કિર્તિનાં ગુણગાન કરી શકે તેમાં તારી અસીમ કૃપાથી સહાય કર. 
તું જે ઘારે તે કરી શકે છે. તું ખરેખર સર્વથા ભવ્ય, સર્વપ્રજ્ઞ છે.

-Bahá'u'lláh
-----------------------

સ્તુતિ–આભાર (#11053)

હે  મારા નાથ, મારા પ્રભુ, તારાં યશોગાન ગવાય ! તારૂં ઘામ એટલું ઊંચે આવેલું છે અને તારી શકિત એટલી તો અમાપ છે કે તારા નામનો જાપ કરવા માગું છું ત્યારે એમાં અંતરાય આવે છે, કારણ કે તારા આખા સામ્રરાજયમા પ્રસરે તેટલાં તારા યશોગાન કરૂં તો પણ મને જણાઈ આવશે કે તારી પ્રશંસા માટે મેં ઉચ્ચારેલા શબ્દો ફકત મારા જેવા જ માણસોને લાગુ પડતા હશે, જે પોતે પણ તારા જ બનાવેલા છે અને જે તારા આદેશના સામર્થ્યથી સર્જાયા છે તથા તારી ઈચ્છા શકિતથી એકનો મહિમાં આલેખવા બેસે છે ત્યારે એ આલેખન તારા સ્વરૂપથી કેટલું ઊચું છે તે વિશે મારી કલમનું કલ્પાંત હું સાંભળી સમજી શકું છું હું ખાત્રીપૂર્વક કહું છું કે તારા સિવાયનું બીજું સર્વ કંઈ તારૂં સૃજન છે અને તારી હથેળીના પોલાણમાં જ એ વસે છે. તું તારા પ્રાણીઓના કાર્યો અને સ્તુતિઓનો સ્વીકાર કરે છે તે જ તારી કૃપા, ઉદાર અનુગ્રહના ચમત્કારનું, તારા ઔદાર્ય અને વિઘાનનાં અભિવ્યકિતની સાબિતી સમાન છે. 
હે મારા નાથ, તે તારા જે મહાનતમ નામે પ્રકાશને અગ્નિથી અને સત્ને અસત્થી છૂટું પાડયું તેનો ઉચ્ચાર કરીને હું તને આજીજી કરૂં છું કે તું મારા પર અને મારા  પ્રિયજનો પર આ લોક અને પરલોકનાં ઉત્તમોત્તમની વૃષ્ટિ  કર. પછી માનવચક્ષુ સમક્ષ કદીયે પ્રગટ થઈ ન હોય એવી અદ્ભૂત ભેટસોગાદો અમને આપ. ખરેખર તું  જ સમગ્ર સૃષ્ટિનો રચયિતા છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, સર્વથા ભવ્ય અને ઉચ્ચત્તમ છે.

-Bahá'u'lláh
-----------------------

સ્તુતિ–આભાર (#11073)

હે  સર્વોન્નત પરમાત્મા !  
હે સ્વામી, હે સર્વશકિતમાન પ્રભુ! તું મહિમાવાન અને ઉદત છે. તારા શાણપણ આગળ શાણાનું શાણપણ ઓછું પડે છે અને નિષ્ફળ નિવડે છે. તારા જ્ઞાન આગળ જ્ઞાનીઓ પણ પોતાનું અજ્ઞાન કબૂલે છે. તારા બળ આગળ બળવાન પણ નિર્બળ છે. તારી સંપતિ પાસે શ્રીમંત પણ પોતાને દરિદ્ર માને છે. તારા પ્રકાશ પાસે પ્રબુદ્ધ વ્યકિત પણ અંઘકારમાં ખોવાઈ જાય છે. તારા જ્ઞાનમંદિરમાં બઘી જ સમજણનો સાર સમાયો છે. તું જયાં ઉપસ્થિતિ છે તે ઘામની આસપાસ સમગ્ર માનવજાત પ્રદક્ષિણા કરે છે. 
હું તારા સારતત્ત્વનો મહિમાં કેવી રીતે ગાઉં? શાણાઓનું શાણપણ અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ એ સમજવામાં અસફળ થયા છે. સાચે જ, કોઈ પોતે જે સમજી ન શકે તે કેમ ગાઈ શકે? જયાં પોતે પહોંચી ન શકે તેનું વર્ણન ન કરી શકે. બીજી બાજું, તું તો અજરામર, અગમ્ય અને અગોચર જ રહ્યો છે. હું તારી ભવ્યતાના સ્વર્ગ સુઘી ભલે ને પહોંચી શકવા અસમર્થ હોઉં, તારા જ્ઞાનપ્રદેશમાં પ્રવેશ કરી શકું તેમ ન હોઉં છતાં પણ હું તારી એ રચનાઓનું વર્ણન કરી શકું છું જે તારી ભવ્ય કૃતિની કહાણી કહે છે.  
તારી ભવ્યતાના સોગંદ! સૌનાં હૈયાંના હાર, તું જ એકલો એવો છે કે જે તારા માટેની ઝંખનાની વેદના શાંત કરી શકે! જે સંકેતો દ્વારા તું વ્યકત થાય છે તેમાંથી ઓછામાં ઓછા સંકેતોની મહત્તા દર્શાવવા માટે સ્વર્ગ અને પૃથ્વીના નિવાસીઓ સાથે મળીને પ્રયત્ન કરે તો પણ તેએા નિષ્ફળ જવાના છે તો તારા પવિત્ર શબ્દ અને તારા બઘા જ સંકેતોની પ્રશંસા કરવાનું કેટલું અઘરું હશે! 
તારી મહત્તા અને ભવ્યતા સૌ ગાતા રહે! સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાક્ષી છે કે તું એક જ છે અને તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું અનાદિકાળથી અજોડ છે અને અનંતકાળ સુઘી રહશે. બઘાં જ સમ્રાટો તારા દાસ સમાન છે અને બઘા જ દ્રશ્ય  તથા અદ્રશ્ય જીવો તારી આગળ શૂન્ય સમાન છે. 
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું પરમ કૃપાળુ મહાસમર્થ અને સર્વોન્નત છે.

-`Abdu'l-Bahá
-----------------------

