સભાઓ (#11068)

હે કૃપાનાથ, આ સભામાં એકત્ર થયેલા આ સૌ તારા જ સેવકો છે. તેઓ તારા સામ્રરાજય ભણી વળ્યા છે. એમને તારા વરદાન અને આશીર્વાદની આવશ્યકતા છે. હે પ્રભુ! તું પ્રગટ થા અને તારા એકત્વના સંકેતો સ્પષ્ટ કર. તારું એકત્વ તો જીવનની બઘી જ યથાર્થતાઓમાંથી પ્રગટ થાય છે. આ માનવીય વાસ્તવિકતાઓમાં તેં છુપાવેલા, છાવરેલા ગુણોને પ્રગટ અને વ્યકત કર. 
અમે છોડ જેવા છીએ અને તારી કૃપા વરસાદ જેવી છે. આ છોડો ફૂલેફાલે અને તાજા થાય તેવું વરદાન આપ. અમે તારા સેવક છીએ; અમને ભૌતિક અસ્તિત્વનાં બંઘનોમાંથી છોડાવ. અમે અજ્ઞાની છીએ; અમને જ્ઞાની બનાવ. અમે મરણ પામ્યા છીએ; અમને નવજીવન આપ. અમે પદાર્થ છીએ; અમારામાં ચેતનનો સંચાર કર. અમે અનભિજ્ઞ છીએ; અમને તારા રહસ્યોના નિકટના જાણકાર બનાવ. અમે યાચક છીએ; તારા અબાઘ ખજાનામાંથી અમને સમુદ્વ બનાવ. હે ઈશ્વર, અમને નવું જીવન આપ, દ્રષ્ટિ આપ, શ્રવણશકિત આપ. જીવનનાં રહસ્યોનો અમને પરિચય કરાવ કે જેથી તારા સામ્રાજયનાં રહસ્યો અસ્તિત્વના આ સંસારમાં અમારી સમક્ષ પ્રગટ થાય. અમે કબુલ કરીએ છીએ કે તું એક અને અદ્વિતીય  છે. પ્રત્યેક અનુગ્રહ તારા તરફથી જ આવે છે. દરેક કૃપાનું સ્ત્રોત તું જ છે. તું શકિતશાળી છે ! તું સમર્થ છે ! તું દાતા છે ! તું સદાસર્વદા સંપન્ન છે!

-`Abdu'l-Bahá
-----------------------

સભાઓ (#11069)

હે ક્ષમાવાન ઈશ્વર ! આ તારા સેવકોએ તારા રાજયની વાટ પકડી છે. તેઓ તારી કૃપા અને ઉદારતા ઝંખે છે. હે પ્રભુ! તેઓ તારા પ્રેમને પાત્ર બને તે માટે એમનાં હૃદયોને શુદ્ધ અને નિર્મળ બનાવ. એમના આત્માઓને પવિત્ર કર કે જેથી સત્યનો સૂરજ એમનામાંથી આરપાર પ્રકાશી શકે. તારો પ્રકાશ તેઓ જોઈ શકે તે માટે એમના નેત્રોને શુદ્ધ કર, પવિત્ર બનાવ. તારા દિવ્ય સામ્રરાજયનો સંદેશ સાંભળી શકે તે માટે એમના કાનને શુદ્ધ કર, પવિત્ર બનાવ. 
હે નાથ! અમે ખરેખર નિર્બળ છીએ પરંતુ તુ સબળ છે. અમે ગરીબ છીએ પરંતુ તું શ્રીમંત છે. અમે શોઘનારા છીએ અને તું, જેને સૌ શોઘે છે, તે છે. હે સ્વામી! અમારા ઉપર દયા કર અને અમને માફ કર. અમને વરદાન દે કે અમે તારા અનુગ્રહો ઝીલીએ, તારા દિવ્ય સામ્રાજય તરફ આકર્ષાઈએ, તારા  પ્રેમાગ્નિથી પ્રદીપ્ત થઈએ અને તારી આ દીપિ્તમાન શતાબ્દીમાં તારી પવિત્ર પ્રાણફૂકથી નવજીવન પ્રાપ્ત કરીએ, એવી અમને શકિત અને સજજતા મળે. 
હે ઈશ્વર! હે પરમેશ્વર! આ સભા ઉપર તારી પ્રેમાળ કૃપા દૃષ્ટિ નાખ. તારી સુરક્ષાના કિલ્લામાં બઘાંનું રક્ષણ કર, એમના પર તારા આશીર્વાદો વરસાવ, તારા કૃપાસાગરમાં ડુબાડ અને તારી પાવન ચેતનાથી નવજીવન પ્રદાન કર. 
તું સમર્થ છે! તું સર્વશકિતમાન છે! તું દયાળુ છે! તું પરમ ઉદાર છે!

-`Abdu'l-Bahá
-----------------------

સભાઓ (#11070)

એ જ છે પરમેશ્વર ! 
હે સ્વામી, મારા ઈશ્વર, મારા પ્રાણેશ્વર! આ તારા સેવકો છે. એમણે તારો દિવ્ય સંદેશ સાંભળ્યો છે. તારી પાવન વાણી એમને કાને પડી છે અને તારી હાકલ સાંભળીને તેઓ ઊઠયા છે. એમણે તારામાં શ્રદ્ધા રાખી છે, તારા અદ્ભૂત સ્વરૂપના એ સાક્ષી છે. તારી સાબિતીઓને એમણે માની છે. તારા વિશેના પુરાવાઓ સાચા છે. એવું એમણે કહ્યું છે તેઓ તરે માર્ગ ચલ્યા છે. તારા પથપ્રદર્શનનું અનુસરણ કર્યું છે. એમણે તારાં રહસ્યો ખોળી કાઢયાં છે, અને તારા પવિત્ર ગ્રંથના ગોપિતાર્થો, તારા આખ્યાનનાં કાવ્યો, તારા ઉદ્ગારો અને પત્રીઓને તેઓ બરાબર સમજયાં છે. તારી જયોતિ અને ભવ્યતાના ઉપવસ્ત્રનો છેડો એમણે પકડી લીઘો છે. તારી સંવિદામાં એમનાં કદમો દ્ઢતાથી મંડાય છે. તારા પાવન આદેશપત્ર વિશે એમનાં હૃદયોએ દ્ઢતા ઘારણ કરી છે. નાથ! એમનાં હૈયામાં તારા દિવ્ય આકર્ષણની જયોત જગાવી દે. તથા પ્રેમ અને સમજણના પક્ષીને એમના હૃદયોમાં ગીત ગાતું કરી દે. તેઓ તારી પવિત્ર વાણી જેવા જ સચોટ સંકેત, ભવ્ય ઘ્વજ અને પરિપૂર્ણ બને એવા આશીર્વાદ આપ. એમના મારફતે તારા ઘર્મનું ઉત્થાન કર. તારી યશપતાકાઓ ફરકાવ અને દૂરસુદૂર તારી ભવ્યતાનો પ્રસાર કરાવ. એમના મારફતે તારા મહાન ઘર્મને વિજયી બનાવ. તારા પ્રિયજનોની પીઠ મજબૂત કર. તારા નામનો મહિમા ગાવામાં એમની જીભને નિરંકુશ બનાવી દે. તારી પવિત્ર ઈચ્છા અને આનંદ સિદ્ધ કરવામાં એમને પ્રેરણા આપ. તારા પવિત્ર સામ્રાજયમાં એમના મુખમંડળ પર દીપિત રેખાઓ અંકિત કરી દે અને તારા ઘર્મના વિજય માટે તત્પર થવામાં એમને મદદ કરીને એમના આનંદમાં વૃદ્ધિ કર. 
હે જગતના નાથ ! અમે અશકત છીએ, તારી પવિત્રતાની કસ્તુરીની સુવાસ ફેલાવવા માટે એમને સશકત બનાવ. અમે નિર્ઘન છીએ, તારા દૈવી એકત્વના રાશિમાંથી અમને ઘનસંપન્ન બનાવ. અમે નગ્ન છીએ, અમને તારી વિપુલતાનાં વસ્ત્રો પહેરાવ. અમે પાપી છીએ, કરુણા, અનુગ્રહ અને ઉદારતાથી અમને ક્ષમા કર. તું ખરેખર સહાયક, મદદગાર, કરુણામય, શકિતવાન અને સમર્થ છે. જે દ્રઢ અને અડીખમ રહે એમને ભવ્યતાઓની ભવ્યતા પ્રાપ્ત થાય છે.

-`Abdu'l-Bahá
-----------------------

