સંરક્ષણ (#11071)

એ કરૂણાસાગર છે! પૂર્ણ ઉદાર છે! હે  પ્રભુ, મારા પરમેશ્વર! તું મને જુએ છે; જાણે છે; તું મારો આશ્રય અને શરણું છે. તારા સિવાય બીજું કદીયે મેં માગ્યું નથી અને માગવાની ઈચ્છા પણ નથી; તારો પ્રેમપંથ છોડીને બીજા કોઈ માર્ગે  હું કદાપિ ચાલ્યો નથી કે ચાલવા માગતો પણ નથી. દુઃખની અંઘારઘેરી રાતમાં મારી આંખો આસ્થા અને આશા ભરી નજરે તારી અનંત કૃપાના પ્રભાતની ક્ષિતિજમાં મંડાય છે અને અરુણોદય થતાં જ મારો ઊંઘરેટો આત્મા નવસ્ફૂર્તિમય રહે છે અને તારાં સૌદર્ય અને પરિપૂર્ણતાને યાદ કરીને બળ પ્રાપ્ત કરે છે. તારી કૃપાની મહેરથી નાનુંસંરખુ ટીપું પણ એક અનંત નિર્બાઘ સમુદ્ર બની રહશે, નાનો કણ પણ તારી પ્રેમકૃપાની છાલક લાગવાથી ચમકતા સિતારા જેમ પ્રકાશી ઊઠશે. 
હે પાવક પરિશુદ્ધ, તારા રક્ષણમાં અમને આશ્રય આપ. તું સર્વસપદાવાન પાલક છે. આ તારો ઉત્સાહથી થનગનતો દાસ છે. એને આ જીવન સૃષ્ટિમાં  તરા પ્રેમમાં અવિચળ અને દૃઢ  રહેવામાં મદદ કર. આ તુટેલી પાંખવાળું પંખી સ્વર્ગીય વૃક્ષ પરના તારા દૈવી માળમાં આશરો લે તેની પરવાનગી આપ.

-`Abdu'l-Bahá
-----------------------

સંરક્ષણ (#11072)

હે મારા નાથ ! તને ખબર છે કે લોકો દુઃખ અને આફતથી ઘેરાયેલા છે. કઠણાઈઓ, મુશ્કેલીઓ એમની ચેપાસ ફેલાયેલી છે. કસોટી અને કપરી આફત માણસ ઉપર એક સાપની જેમ હુમલા કરે છે. એની પાસે તારા રક્ષણ, જતન, તકેદારી અને સુરક્ષા સિવાય બીજું કોઈ આશ્વાસન નથી, શરણ નથી. 
હે દયાળુ, હે મારા સ્વામી! તારું રક્ષણ મારું શસ્ત્રગાર બનો, તારું જતન મારી ઢાલ બનો. તારા એકત્વના દરવાજે મારી વિનમ્રતા મારી રખેવાળ બનો અને તારી સુરક્ષા અને સંરક્ષણ મારો ગઢ, મારું ઘર બનો. મારા અહં અને લાલસાઓના આવેશથી મને બચાવ. દરેક જાતની માંદગી, કસોટીઓ, મુશ્કેલીઓ અને આફત સામે મારી રખેવાળી કર. 
ખરેખર તુંજ રક્ષક, સંરક્ષક, દાતા છે. ખરેખર તું અતિ દયાવાનોમાં પણ દયાવાન છે.

-`Abdu'l-Bahá
-----------------------

