માર્ગદર્શન (#11066)

હે નાથ! અમે દયાને પાત્ર છીએ; અમારા પર કૃપા કર. અમે ગરીબ છીએ; તારા કુબેરભંડારમાંથી અમને પણ એક અંશ આપ. અમને જરૂર છે; અમને સંતુષ્ટ કર. અમે હીન છીએ; અમને ગૌરવ આપ. આકાશમાં ઊડતી સમડી અને ખેતરના પશુને રોજ તું જ ખાવનું પુરું પાડે છે. બઘા જીવો તારી કાળજી અને કૃપા પ્રાપ્ત કરે છે. 
તારી અદ્ભૂત કૃપાથી આ નબળા જીવને વંચિત ન કર. તારી શકિતના સોગંદ લઈને આ લાચાર જીવને વચન આપ કે તું તારી વિપુલતાનો લાભ આપીશ. 
અમને રોજ ભોજન આપ અને જીવનની જરૂરીયાતોમાં તારો ખપ વઘતો જાય તેવું કરી દે, જેથી અમે તારા સિવાય બીજા કોઈ ઉપર આઘાર ન રાખીએ, સંપૂર્ણ રીતે તારી સાથે જ સંપર્ક રાખીએ, તારા રસ્તાઓ પર ચાલીએ અને તારાં જ રહસ્યો પ્રગટ કરીએ. તું સર્વશકિતમાન પ્રેમાળ અને મનુષ્ય માટે દાતા છે.

-`Abdu'l-Bahá
-----------------------

માર્ગદર્શન (#11067)

હે કરૂણામય સ્વામી ! તું ઉદાર અને શકિતશાળી છે. અમે તારા દાસ છીએ. તારા વિઘાન નીચે આશરો લઈ બેઠા છીએ. અમારા ઉપર કૃપા દૃષ્ટિ કર. અમારી આંખોને પ્રકાશ આપ, અમાર કાનને શ્રવણશકિત આપ, અમારા હૃદયોને સમજણ અને પ્રેમથી તરબોળ કરી દે. તારા શુભ સમાચારોથી અમારા આત્માઓમાં આનંદ અને સુખ ભરી દે. હે નાથ ! અમને તારા દિવ્ય સામ્રાજયનો રસ્તો ચીંઘી દે અને પવિત્રાત્માની પ્રાણફૂંકથી અમને બઘાંને નવજીવન આપ. અમને શાશ્વત જીવનનું વરદાન દે અને અનંત સન્માનની નવાજેશ કર. માનવજાતને એક કર અને સમસ્ત જગતને પ્રકાશિત કર. એવું વરદાન આપ કે, અમે સૌ તારા માર્ગે જ ચાલીએ, તારા જ આનંદને ઝંખીએ! તારા દિવ્ય સામ્રાજયના રહસ્યો જ ખોળીએ.
 હે પ્રભુ ! અમને સંગઠિત કર. અમારા હૃદયોને તારાં અવિચ્છેદ્ય બંઘનોમાં જોડી દે. ખરેખર, તું દાતા, પરમ દયાળુ, સર્વશકિતમાન છે !

-`Abdu'l-Bahá
-----------------------

