ક્ષમાયાચના (#11054)

હે પ્રભુ, હું ગુણ ગાઉં છું! મારા હૃદયમાંથી વ્યર્થ તરંગો અને પોકળ કલ્પનાઓ ભુંસાઈ જાય તે માટે હું પુરેપુરા સ્નેહથી તારા તરફ વળું છું. હે જગત્પતિ! તારી ઈચ્છાને અનુરૂપ તારા કૃપાપુષ્પોનો પમરાટ તારા આદેશથી સમગ્ર સુષિ્ટમાં પ્રસરી ગયો છે અને તારી ઈચ્છાનો સૂર્ય તારાં સાર્વભૌમત્વ અને શકિત–સામર્થ્ય દ્ધારા તારી કૃપાના આકાશમાં ઝળહળે છે. 
હે જગન્નાથ! હું તારો દાસ છું, તારા દાસનો પુત્ર છું. મારો હાથ તારી કરૂણાને સોપાઈ ગયો  છે. હું તારી દયાના તંતુને પકડી બેઠો છું. તારી પાસે જે ઉત્તમ છે તે મને આપ. તારા ઔદાર્ય અને અનુગ્રહરૂપી સ્વર્ગના વાદળોમાંથી તેં વરસાવેલા અમૃત દ્વારા મારૂં પોષણ કર. 
હે પ્રભુ, તું જ વિશ્વઘિપતિ છે, સ્વર્ગ અને પૃથ્વીના સકળ ભુતજગતનો સ્વામી છે.

-Bahá'u'lláh
-----------------------

ક્ષમાયાચના (#11055)

હે જગત્રાતા ! તારી અનુકંપાથી મારી હિમંત વઘી છે પરંતું તારા ન્યાયથી મારામાં ભય વ્યાપ્યો છે. જેને તારી અનુકંપા મળી તે સુખી છે, જેને તારા ન્યાયનાં પારખાં થયાં તે દુઃખી છે.  
ભગવાન! હું તારા ન્યાયથી ડરીને ભાગ્યો છું; તારી અનુકંપા યાચું છું તારા રોષથી હું કાંપી ઊઠયો છુંઃ તારી ક્ષમા માગું છું. તારી સમર્થતા, સાર્વભૌમ સત્તા, મહાનતા અને અનુકંપાના ગુણોનો ઉલ્લેખ કરીને હું પ્રાર્થના કરૂં છું કે હે સર્જનહાર, તારા જ્ઞાનના પ્રકાશ વડે સમગ્ર માનવજાતને અજવાળુ આપ કે જેથી સર્વ પદાર્થો તારા હસ્તકૌશલનું પ્રતિબિંબ પાડે, તારી ક્ષમતાનાં રહસ્યો પ્રગટ કરે અને તારા જ્ઞાનના પ્રકાશને વ્યકત કરે. 
તેં જ સમગ્ર ભૂતસૃષ્ટિને દ્રશ્યમાન બનાવી અને તું જ એના ઉપર કરુણા અને કૃપાનો પ્રકાશ બનીને ચમકે છે.  
તું પરમ ઉદાર કરુણાસિંઘુ છે.

-Bahá'u'lláh
-----------------------

