એકતા (#11026)

હે પ્રભુ, માનવજાત પ્રત્યેના તારા પ્રેમની અભિવ્યકિત માટે તારો જયનાદ થાઓ! હે ઈશ્વર, તું અમારા માટે તારો જયનાથ થાઓ! હે ઈશ્વર, તું  અમારા માટે  જીવન અને પ્રકાશ છે. તારા સેવકોને તારા પ્રેમાળ પંથે દોરી જા અને સમુદ્વ બનાવ. તારા સિવાયના બીજા બઘાં જ બંઘનોમાંથી અમને મુકિત આપાવ. 
હે ઈશ્વર, અમને તારા અદ્વૈતનો ઉપદેશ આપ અને અમને તારા એકત્વની ઝાંખી કરાવ કે જેથી અમે તારા સિવય બીજું કશું જોઈ ન શકીએ. તું દયાળુ અને વરદાતા છે! 
હે ભગવાન, તારા પ્રેમીઓનાં હૃદયોમાં પ્રેમની જવાળાઓ પ્રગટાવ કે જેથી એમાં તારા સિવાયનું બાકી બીજું બઘું ભસ્મીભૂત થઈ જાય. 
હે પ્રભુ, અમને તારી અનર્ગળ અનંતતાને સાક્ષાત્કાર કરાવ. તું હંમેશા અનંત રહૃયો છે અને રહેશે. અમને પ્રતિતિ કરાવ કે તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. સાચે જ, માત્ર તારામાંથી અમને શાતા અને બળ પ્રાપ્ત થશે.

-Bahá'u'lláh
-----------------------

એકતા (#11027)

હે મારા પરમેશ્વર! હે મારા પરમાત્મા! તારા સેવકોના હૃદયો એક કર અને એમની સમક્ષ તારો મહાન ઉદે્શ પ્રગટ કર. તેઓ તારા આદેશો માને અને તારા કાયદાઓનું પાલન કરે, હે ભગવાન એમનાં પુરુષાર્થમાં સહાયક બન, તારી સેવા કરવાની એમને શકિત આપ. હે પ્રભુ, એમને એકલા ન છોડી દે, પણ તારા જ્ઞાનના પ્રકાશથી એમનાં ચરણોને માર્ગ દેખાડ અને તારા પ્રેમથી એમનાં હૃદયોને હર્ષિત કર. તું જ ખરેખર એમનો સહાયક અને સ્વામી છે.

-Bahá'u'lláh
-----------------------

એકતા (#11058)

હે  કૃપાળુ સ્વામી! તું ઉદાર અને દયાવાન છે; અમે તારા ઊંબરાના દાસ છીએ. અમે તારી દયાના રક્ષણની છત્રછાયામાં છીએ. તારા વિઘાનનો સૂર્ય સૌ ઉપર પ્રકાશે છે. તારી દયાના મેઘ સૌ ઉપર વરસે છે. તારો કૃપાપ્રસાદ સૌને મળે છે. તારી નિયતિ સૌને ટકાવી રાખે છે. તારું રક્ષણ સૌને આવરી લે છે. તારી કરૂણાની  દૃષ્ટિ સૌને ઉજજવલ બનાવે છે. હે નાથ! અમને તારાં અનંત વરદાનો આપ અને તારા  માર્ગદર્શનના પ્રકાશને ચમકવા દે. અમારી આંખોને તેજ આપ, આત્માઓને આનંદિત કર અને હૃદયોમાં નવું જોમ ભરી દે. અમને શાશ્વત જીવન આપ. તારા જ્ઞાનનાં બારણાં ખોલી નાખ, શ્રદ્ધાના પ્રકાશ દ્ધારા અજવાળા પાથરવા દે. માનવજાતને સંગઠિત કરીને તારા રક્ષણની પતાકા નીચે આશ્રય આપ. તારી કૃપાથી જ તેઓ એક સમુદ્રનાં મોજાં જેવા, એક વૃક્ષનાં પાંદડાં અને ડાળીઓ જેવા બનશે અને એક જ તંબુની છાયામાં એકત્ર થશે, એક જ ઝરણામાંથી અજવાળું પ્રાપ્ત કરશે. તું દાત છે, તું દયાળુ છે, તું સર્વવ્યાપી છે!

-`Abdu'l-Bahá
-----------------------

એકતા (#11059)

હે  દયાળુ સ્વામી ! તેં આખી માનવજાતને એક જ મૂળ કુટુંબમાંથી જન્મ આપ્યો છે. સૌ એક જ કુટુંબના સભ્યો રહે એવો તારો આદેશ છે. તારી પવિત્ર ઉપસ્થિતિમાં સૌ તારા દાસ જ છે. આખી માનવજાતિને તારા મંડપ નીચે આશ્રય મળ્યો છે, બઘા જ તારી વિપુલતાના દ્વારે ઊભા છે, બઘા ઉપર તારી નિયતિનો પ્રકાશ પથરાયો છે. 
હે ઈશ્વર, તું બઘા પ્રત્યે દયાળુ છે, તેં બઘાંનું પાલન કર્યું છે, બઘાંને આશરો આપે છે, જીવનનું દાન આપે છે. તેં દરેક પ્રતિભા અને સદગુણો લક્ષ્યાં છે. તારી જ દયાના સગરમાં બઘાં ડૂબકી મારે છે. 
હે દયાનાથ, બઘાંને એક કર. બઘા ધર્મો એક થઈને બઘાં જ રાષ્ટ્રોને એક કરે કે જેથી બઘાં એકબીજાને એક જ કુટુંબના સભ્ય તરીકે જોતા થાય અને આખી પૃથ્વીને એક ઘર માને. એવું વરદાન આપ કે સૌ સાથે મળીને સંપૂર્ણ સદ્ભાવથી રહે! હે ઈશ્વર! માનવજાતની એકતાનો ઘ્વજ ઊંચો લહેરાવ. હે પરમાત્મા. પરમ મહાન શાંતિની સ્થાપના કર. હે પ્રભુ! બઘાનાં હૃદયોને જોડી દે. 
હે કૃપાળુ તાત, હે પરમાત્માં! તારા પ્રેમની સુગંઘથી અમારાં હૈયાંને પુલકિત કર. તારા માર્ગદર્શનના પ્રકાશથી અમારી આંખોમાં તેજ આંજી દે. તારી વાણીના ઉદ્ગાનથી અમારા કાનને આનંદ આપ. તારા મંગળવિઘાનના સંરક્ષણમાં અમને શરણ આપ. 
તું શકિતશાળી અને સમર્થ છે. તું ક્ષમાવાન છે. માનવીની ત્રુટિઓની સદા અવણના કરે તેવો એકમાત્ર તું જ છે.

-`Abdu'l-Bahá
-----------------------

